- ગુજરાતમાં આજથી 5 દિવસ વરસાદની આગાહી
- રવિવારે રાજ્યના 28 તાલુકામાં વરસ્યો
- રાજ્યમાં ચાર મહિલા સહિત 5નાં મોત
અતુલ તિવારી/અમદાવાદ: શહેરમાં સીઝનનો પહેલો વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે મુંબઈમાં વરસાદ પડે તેના 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે. જેના ભાગરૂપે રાજ્યમાં એક છેડાનું ચોમાસું ગુજરાતભરમાં પહોંચી ગયું છે. ગઈકાલે રાત્રે (રવિવારે) વીજળીના કડાકા ભડકા સાથે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદના ગોતા, સોલા, જગતપુર, એસજી હાઈવે, નારણપુરા, ઘાટલોડિયા, નવા વાડજ, અખબાર નગર સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. સીઝનનો પહેલો વરસાદ વરસતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અમદાવાદમાં રથયાત્રા પહેલા વરસાદ થતાં શહેરીજનોમાં ખુશી જોવા મળી છે. રવિવારે રાજ્યના 28 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
મહત્વનું છે કે, રાજ્યભરમાં પ્રથમ વરસાદમાં 5 લોકોનાં મૃત્યું થયા છે. મહીસાગર અને મોરબીમાં વીજળી પડતાં મહિલાનાં તો મોરબીના હળવદમાં દીવાલ પડતાં 3 લોકોનાં મૃત્યુંના સમાચાર છે.
મોરબી જિલ્લામાં આફતનો વરસાદ, 4ના મોત
મોરબી જિલ્લામાં આફત લઈને વરસાદ આવ્યો છે. જિલ્લામાં વરસાદને કારણે 4 લોકોના મોત નિપજ્યા છે. હળવદ તાલુકામાં દિવાલ ધરાશાયી થતાં 3ના મોત થયા છે. ખેતરમાં દિવાલ પાસે બેઠા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. મોરબી તાલુકાના ઝીકિયારી ગામે વીજળી પડતા મહિલાનું મોત પણ થયું છે. વર્ષા કિશોરભાઈ અદગામા નામની મહિલાનું મોત થયું હોવાની માહિતી મળી છે.
મહીસાગરમાં વીજળી પડવાથી મહિલાનું મોત
મહીસાગરમાં વીજળી પડવાના કારણે મહિલાનું મોત થયું છે. સંતરામપુરના ગોથીબડા ગામમાં વીજળી પડી હોવાની માહિતી મળી રહી છે. જેમાં સૂકીદેવી ફળિયામાં રહેતા એક મહિલાનું મોત થયું છે. મહિલા વરસાદને લીધે પશુને ઘરમાં લઈ જઈ રહ્યા હતા. ત્યારે વીજળી પડી હતી. ત્યારબાદ 108 ઘટના સ્થળે પહોંચી હતી અને સારવાર માટે સંતરામપુર હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા, જો કે સ્ટેટ હોસ્પીટલના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. જ્યારે લુણાવાડાના ખુંધીમાં વીજળી પડતાં 2 પશુના મોત થયા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં વરસાદનું આગમન થયું છે. ગઈકાલે રાત્રે (રવિવાર) અડધો કલાક સુધી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અડધો કલાક પડેલા વરસાદને કારણે શહેરના કેટલાક ભાગમાં પાણી ભરાયા હતા. અમદાવાદના એસજી હાઇવે પર આવેલા થલતેજ અંડર પાસ, ઝાયડસ બ્રિજ પાસેના રોડ પર હજુ પણ પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણી ભરાવાને કારણે રોડ પર કાદવ કિચડમાંથી પસાર થવા રાહદારીઓ મજબૂર બન્યા છે. અમદાવાદમાં વરસાદ પડીને બંધ થયાને 9 કલાક સમય વીતવા છતાં કેટલાક માર્ગો પરથી હજુ પાણી ઓસર્યા નથી. રોડ પર રીપેરીંગ કામ, સમારકામ ચાલતું હોય એવા માર્ગોની હાલત ખરાબ થઈ છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં હજી પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 30 થી 40 kmની ઝડપે પવન ફૂંકાશે, સાથે વીજળીના કડાકા પણ સંભળાશે. હવામાન વિભાગની ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 અને 13 જૂનથી દક્ષિણ ગુજરાત, દાદર નગર હવેલી, ઉત્તર ગુજરાત ના કેટલાક વિસ્તારો સહિત અમદાવાદ, ગાંધીનગર, આણંદ જેવા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. 13 થી15 જૂને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં આજથી 5 દિવસ વરસાદની આગાહી
નોંધનીય છે કે, ગુજરાતમાં આજથી 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, દીવ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. કચ્છમાં પણ વરસાદ પડવાની આગાહી છે. 15 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. સાથે અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદ પડવાની આગાહી છે. 16 જૂને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જેમાં સુરત, નવસારી, વલસાડ, અમરેલી, જૂનાગઢ, દીવ અને કચ્છમાં વરસાદ પણ પડી શકે છે. 17 જૂને પણ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રવિવારે વરસેલા વરસાદી આંકડાની વાત કરીએ તો જામનગરના કાલાવડમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે જામજોધપુર, ખંભાળિયા અને લાલપુરમાં પણ ઝાપટાં પડ્યાં હતાં. રાજકોટમાં પણ અડધો ઈંચ વરસાદ, વલસાડના ઉમરગામમાં 22 મિ.મી., કપરાડામાં 31 મિ.મી., ધરમપુરમાં 25 મિ.મી. તેમજ વડોદરાના સંતરામપુરમાં 81 મિ.મી., કડાણામાં 50 મિ.મી, ઝાલોદમાં 30 મિ.મી. વરસાદ પડ્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદ
તલોદમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે હિંમતનગરમાં ૦૧ મીમી, વડાલી ૦૩ મીમી, ખેડબ્રહ્મા ૧૦ મીમી, વિજયનગર ૦૧ મીમી, તલોદ ૨૭ મીમી, પ્રાંતિજ ૦૬ મીમી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતાં ગામજનોના પતરા પણ ઉડ્યા હતા. તલોદ, પ્રાંતિજ, હિંમતનગર અને ખેડબ્રહ્મા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રી દરમિયાન વરસાદ વરસ્યો હતો. તલોદના ગુંદિયા ગામમાં ઘરના શેડના પતરા ઉડ્યા હતા. સદનસીબે કોઈને ઈજા થઈ નહોતી. જ્યારે હિંમતનગર તાલુકાના દલપુર ગામમાં પવન ફૂંકાતા ઓરડીનો શેડ ઉડયો હતો. પશુઓ માત્ર ઘાસ ભરવાની ઓરડીના શેડના પતરા પવનમાં ઊડ્યા હતા. વંટોળને લઈ વીજ પોલ પણ ધરાશાયી થયા હોવાની માહિતી મળી છે દલપુર ગામમાં લાઈટ પણ ગુલ થઈ હતી.
#Naritunarayani
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.