ગુજરાતમા વરસાદની અસર શરૂ, પાટણમાં ભારે પવનથી મકાનોના પતરા ઉડ્યા, લીંબડીમાં વીજળીથી પહેલુ મોત નોંધાયું 

Views: 187
1 0
Spread the love

Read Time:5 Minute, 42 Second

અમદાવાદ :આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં મોટો બદલાવ થશે. કારણ કે, રાજ્યના વિવિધ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની અસર જોવા મળશે. જોકે, મંગળવારથી જ તેની અસર જોવા મળી છે. થન્ડર સ્ટોર્મની અસરથી રાજ્યના 5 જિલ્લાના 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સાથે જ પાટણના સાંતલપુર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા 10 વધુ મકાનોના પતરાં ઉડ્યા હતા. સદનસીબે તેમાં મોટી જાનહાનિ ટળી હતી. આમ, થન્ડર સ્ટોર્મની અસર વચ્ચે આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે, પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે, જોકે ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત્ છે. તેમજ પ્રથમ વરસાદની વીજળીએ લીંબડી તાલુકાના એક યુવકનો ભોગ લીધો છે. મધરાતે લીંબડી તાલુકાના જાંબુ અને નટવરગઢ ગામ વચ્ચે વીજળી પડતા યુવકનું મોત નિપજ્યુ છે.

પાંચ દિવસમાં બદલાશે ગુજરાતનુ વાતાવરણ
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. કારણ કે, રાજ્યના વિવિધ વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની અસર થશે. જેમાં પવનની ગતિ પણ 30થી 40 KM પ્રતિ કલાકની રહી શકે છે. તો આજે બનાસકાંઠા, અમદાવાદ સહિતના વિસ્તારમાં મોટાપાયે તેની અસર જોવા મળશે. આજથી 10 જૂન કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ વરસાદની શક્યા છે. આજથી 10 જૂન સુધી ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. 

મંગળવારે 12 તાલુકામાં વરસાદ ખાબક્યો
થન્ડર સ્ટોર્મની અસર મંગળવારે રાજ્યના 5 જિલ્લામાં જોવા મળી હતી. ગઈકાલે ગુજરાતના 12 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ભીંજાયા હતા, જેથી વાતાવરણ ખુશ્નુમા બન્યુ હતું. લોકોએ ગરમીથી રાહતનો શ્વાસ લીધો હતો. અમરેલી, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદ નોંધાયો હતો. તો અમરેલીના લાઠીમાં સૌથી વધુ પોણા ત્રણ ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં અમદાવાદના ધંધુકામાં 1.5 ઈંચ વરસાદ પડ્યો હતો. તો સુરેન્દ્રનગરના ચુડામાં પોણો ઈંચ અને લીંબડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. 

No description available.

પાટણમાં પતરા ઉડ્યા
થન્ડર સ્ટોર્મની અસરના ભાગરૂપે પાટણ જિલ્લાના વાતાવરણમા પલટો આવ્યો હતો. વાતાવરણના પલટાના ભયાનક વીડિયો પણ સામે આવ્યા, જેમાં સાંતલપુર તાલુકાના વારાહીમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે. ભારે પવન સાથે પડેલ વરસાદમાં 10 થી વધુ મકાનોના પતરા ઉડ્યા હતા. ગઢા, વર્ણોસરી, કોરડા, એવાલ સહિત વાઘપુરામાં ભારે પવન સાથે ધીમીધારે વરસાદ ખાબક્યો હતો. તો – ઝંડાલા ગામે ભારે પવન ફૂંકાતા કાચા તેમજ પાકા મકાનના પતરાં ઉડતા વ્યાપક નુકસાની નોંધાઈ છે. ભારે પવનના કારણે પતરાં ઉડી ખેતરમાં પડતા મકાન માલિકોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. પ્રિ-મોન્સૂનના પ્રથમ વરસાદમાં જ પાટણ જિલ્લામાં નુકસાની જોવા મળી. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. 

વીજળીથી રાજ્યમાં પ્રથમ મોત
હજી ગુજરાતમાં ચોમાસુ બેઠુ નથી ત્યાં સામાન્ય વરસાદમાં વરસેલી વીજળીએ એક યુવકનો ભોગ લીધો છે. લીંબડી તાલુમાં વીજળીથી પ્રથમ મોત નોંધાયુ છે. મધરાત્રિએ લીંબડી તાલૂકાના જાંબુ અને નટવરગઢ ગામ વચ્ચે વીજળી પડી હતી. 23 વર્ષીય યુવક બાઈક પર સવાર થઈને લીંબડીથી જાંબુ તરફ જઈ રહ્યો હતો, ત્યારે વચ્ચે વીજળી પડી હતી. યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. જાંબુ ગામના યુવકનુ મોત નિપજતા ચકચાર મચી ગઈ છે, તો યુવકના પરિવારજનોમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે. 

આજે ક્યા ક્યા વરસાદની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજ વાળા પવન આવતા વરસાદી માહોલ સર્જાઇ શકે છે. એટલુ જ નહિ પરંતુ આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે. નોંધનીય છે કે, આ વર્ષે દેશમાં ગયા વર્ષ કરતાં વધારે સારો વરસાદ થવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગે આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી દેશમાં 103 ટકા વરસાદ થવાની શક્યતા દર્શાવી છે.

#Naritunarayani

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed