Pm modi:વડાપ્રધાને માતાના સ્વાસ્થ્ય અંગે તબીબો પાસેથી માહિતી મેળવી, દોઢ કલાક રોકાયા બાદ દિલ્હી રવાના

Views: 162
0 0
Spread the love

Read Time:9 Minute, 33 Second

Pm modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને નાદુરસ્ત તબિયતને કારણે સવારે યુ.એન.મહેતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. તેમના તમામ રિપોર્ટ કરાયા બાદ હાલ ચોથા માળ પર સારવાર કરવામાં આવી રહી છે. તેમની છ એક્સપર્ટ ડોક્ટર તેમજ અન્ય એક્સપર્ટ સ્ટાફને સાથે રાખીને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. હાલ હીરાબાની તબિયત સુધારા પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમાચાર મળ્યા ત્યારથી ડોક્ટરના સંપર્કમાં હતા. તેઓ માતાની તબિયત અંગે એક એક પળની માહિતી મેળવતા હતા. ત્યાર બાદ મોદી દિલ્હીથી અમદાવાદ આવવા નીકળ્યા હતા. તેઓ 3.50 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ અને સાંજે 4 વાગ્યે યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે માતાના સ્વાસ્થ્ય અંગે નિષ્ણાત તબીબો સાથે વાતચીત કરી હતી. યુ.એન.મહેતાએ બપોરે સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન રિલીઝ કર્યું હતું. તેમજ હોસ્પિટલમાં લગભગ સવા કલાક સુધી રોકાયા બાદ દિલ્હી જવા રવાના થયા હતા. જ્યારે ટૂંક સમયમાં જ બીજું મેડિકલ બુલેટિન આવવાની શક્યતા છે.

દિલ્હીથી માતાના ખબર જોવા પીએમ મોદી અમદાવાદ આવ્યા ત્યારે તેમના ચહેરા પર હીરાબાની તબિયતને લઈને ચિંતા દેખાઈ રહી હતી. યુ.એન મહેતા હોસ્પિટલના ડોક્ટર સાથે પીએમ મોદીએ હીરાબાની મુલાકાત લીધી હતી. લગભગ સવા પાંચ વાગ્યા સુધી પીએમ મોદી હીરાબા સાથે હોસ્પિટલમાં રોકાયા હતા. ત્યાર બાદ હોસ્પિટલમાં બહાર નીકળતી વખતે આસપાસ ભેગા થયેલા લોકોને હાથ બતાવી અભિવાદન ઝીલ્યું હતું. ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટથી પીએમ દિલ્હી જવા રવાના થયા હતા.

PM મોદી ચિંતિત હતા, હીરાબાની તબિયત સારી છેઃરાજ્યસભા MP જુગલજી ઠાકોર
જ્યારે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે માતા હીરાબાની તબિયત પૂછવા માટે યુએન મહેતા હોસ્પિટલ ખાતે સાંજે ચાર વાગ્યે પહોંચ્યા હતા. માતા હીરાબાની પાસે તેઓ બેઠા હતા અને માતાની તબિયતને લઈ ચિંતાતુર જણાયા હતા. આશરે સવા કલાક સુધી તેઓ માતા સાથે બેઠા હતા અને ડોક્ટરો પાસેથી માતાની તબિયતને લઈ અને માહિતી મેળવી હતી. માતા હીરાબાની તબિયત હાલ સુધારા ઉપર છે. તેઓની સ્થિતિ ખૂબ એક બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં એવી શક્યતા છે.

મુખ્યમંત્રી થોડીવાર રોકાયા બાદ નીકળી ગયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે હીરાબાની તબિયત અંગે માહિતી મેળવી હતી. વડાપ્રધાનની સાથે રહ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવાના થઈ ગયા હતા.

મંત્રીઓ અને ધારાસભ્યો પણ હીરાબાના ખબર અંતર જાણવા પહોંચ્યા
આ ઉપરાંત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના અસારવાનાં ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, ધારાસભ્ય(ગાંધીનગર દક્ષિણ) અલ્પેશ ઠાકોર અમદાવાદના મેયર કિરીટ પરમાર અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યાં હતાં. ત્યાર બાદ વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ હોસ્પિટલ જવા રવાના થઈ ગયા હતા અને સાંજે 4 વાગ્યે હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે તબીબો પાસેથી માતા હીરાબાની તબિયત અંગે માહિતી મેળવી હતી. યુ.એન.મહેતાએ સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન રિલીઝ કર્યું છે.

કેબિનેટ પ્રેસ-બ્રીફિંગ મોકૂફ
અનિવાર્ય સંજોગોને કારણે આજે 4.00 વાગ્યે યોજાનારું કેબિનેટ પ્રેસ-બ્રીફિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે.

વડનગરના હાટકેશ્વર મંદિરમાં હીરાબાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના
નરેન્દ્ર મોદીના વતન વડનગરના હાટકેશ્વર મંદિરમાં હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. તેમજ હીરાબા જલ્દીથી સ્વસ્થ થાય એવી કામના સાથે રુદ્રાભિષેક પણ કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં લોખંડી બંદોબસ્ત
એક્સપર્ટ ડોક્ટર દ્વારા તેમની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. તેમજ તબીબો દ્વારા હીરાબાના તમામ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ તેમને સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન ડોક્ટરો દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તેમણે સ્ટેબલ હોવાનું જણાવવામાં આવ્યું હતું. અત્યંત લોખંડી બંદોબસ્ત વચ્ચે હોસ્પિટલના સ્ટાફ સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

હું આશા રાખું છું, તમારા માતાજી જલ્દીથી સ્વસ્થ થઈ જાય: રાહુલ ગાંધી
વડાપ્રધાનના માતા હિરાબાની તબિયત અંગે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, એક મા અને દીકરા વચ્ચેનો પ્રેમ અનંત અને અનમોલ હોય છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું, તમારા માતાજી જલ્દીથી સ્વસ્થ થઈ જાય.
અમદાવાદ શહેર નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત બગડતાં તેમને સારવાર માટે શાહીબાગ વિસ્તારમાં આવેલી યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. વડાપ્રધાન અમદાવાદ આવતા હોવાથી સમગ્ર શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવે છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં બપોરે 2 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી નો ડ્રોન ફલાય ઝોન અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.

2016માં પણ લથડી હતી હીરાબાની તબિયત
આ પહેલાં 2016માં PM નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત લથડી હતી. તેમને 108 બોલાવી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. એટલું જ નહિ, હોસ્પિટલના જનરલ વાર્ડમાં તેમની તપાસ સામાન્ય દર્દીઓની જેમ જ થઈ હતી. તેમને 108માં તેના કર્મચારીઓ સ્ટ્રેચર પર સૂવડાવીને હોસ્પિટલ લઈ ગયા હતા અને જનરલ વોર્ડમાં જ દાખલ કરાયાં હતાં.

18મી જૂને હીરાબાને 100મું વર્ષ બેઠું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા 18 જૂને 100 વર્ષનાં થયાં હતાં. તેમનો જન્મ 18 જૂન 1923ના રોજ થયો હતો. વડાપ્રધાન મોદી 18 જૂને માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળ્યા હતા. તેમના 100મા જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુંદરકાંડના પાઠથી લઈને શિવઆરાધના કરવામાં આવી હતી. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે 11 માર્ચના રોજ સવારના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ રાત્રે 9 વાગ્યે માતા હીરાબાને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે આશીર્વાદ લઈ તેમના ખબરઅંતર પૂછ્યા હતા. એટલું જ નહીં, નરેન્દ્ર મોદીએ હીરાબા સાથે બેસીને ખીચડી ખાધી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed