Ahmedabad:અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે આવેલા મકાનમાં આગ લાગી હતી. મકાનમાં લાગેલી આગને પગલે એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની 15 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ઘરમાં રહેલા પાંચ સભ્યમાંથી ચાર લોકોને બહાર નીકળવામાં સફળતા મળી હતી, જ્યારે એક તરુણી અંદર ફસાઈ ગઈ હતી. એ બાદ ફસાયેલી 15 વર્ષીય તરુણીને ફાયરબ્રિગેડની ટીમે જીવિત હાલતમાં બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તેનું ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યું હતું.
રેસ્ક્યૂ ટીમની 15 ગાડી ઘટનાસ્થળે રવાના
મળતી માહિતી મુજબ, આજે સવારે 7:28 વાગ્યે અમદાવાદ ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે શાહીબાગ ગિરધરનગર સર્કલ પાસે આવેલા ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે મકાનમાં આગ લાગી છે. ફાયરબ્રિગેડનાં રેસ્ક્યૂ વાહનો અને એમ્બ્યુલન્સ સાથે 15 ગાડી રવાના કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યૂબિકલ સાથે તેમણે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા હતા. ઘરમાં રહેલા પરિવારના પાંચમાંથી ચાર સભ્ય બહાર નીકળી ગયા હતા, પરંતુ એક રૂમમાં 15 વર્ષીય પ્રાંજલ ઉર્ફે પ્રાચી નામની તરુણી આગમાં ફસાઈ ગઈ હતી, જેથી ફાયરબ્રિગેડના જવાનોએ તેને બચાવવા માટેની કવાયત શરૂ કરી હતી.
આગ પાછળનું કારણ અકબંધ
ફાયરબ્રિગેડના જવાનો આઠમા માળે પહોંચ્યા હતા અને ત્યાંથી દોરડું બાંધીને ફાયરબ્રિગેડના બે જવાનો દોરડા વડે સાતમા માળે આગ લાગી હતી એ મકાનમાં પહોંચ્યા હતા. ત્યાંથી દરવાજો તોડીને ચાલુ આગમાં રહેલી પ્રાંજલ નામની તરુણીને બહાર કાઢી હતી. આગને કારણે દાઝી ગયેલી તરુણીને બચાવી ફાયરબ્રિગેડે સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડી હતી. એ દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલી તરુણીનું મોત નીપજ્યું હતું. આગ કયા કારણસર લાગી એ હજુ સુધી જાણવા મળ્યું નથી.
શાહપુરમાં આગમાં પરિવારના 3 હોમાયા હતા
અગાઉ પણ અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આગ લાગતાં પતિ-પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. પરિવાર જ્યારે ઘરમાં સૂતો હતો, ત્યારે વહેલી સવારે કોઈ કારણસર આગ લાગતાં ઘરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. જે બાદ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે ત્યાં પહોંચ્યા બાદ જોતાં રૂમમાં ધૂમાડો હતો અને પતિ-પત્ની અને એક બાળકની લાશ ફાયરબ્રિગેડને મળી આવી હતી. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતાં શાહપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક જયેશભાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા.
7 દિવસ પહેલાં જ મોદી કેર હોસ્પિટલમાં આગની ઘટના બની હતી
અઠવાડિયા પહેલા જ અમદાવાદમાં નારણપુરાની મોદી આઇ કેર હોસ્પિટલમાં લાગેલી આગમાં બેનાં મોત થયાં હતા. હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ અને તેની પત્ની એમ બે લોકોનાં કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટનામાં પણ હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ બહાર નહોતું આવ્યું. હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરા બંધ હતા, કારણ કે દિવસ દરમિયાન જ હોસ્પિટલ ચાલતા હતા. મૂળ રાજસ્થાનનું વતની દંપતી આગમાં ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યું હતું. આ દંપતી હોસ્પિટલની દેખરેખ રાખવાનું કામ કરતું હતું.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.