Ahmedabad:અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે લોકોને સામેથી દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે. 72 વર્ષ બાદ આ વર્ષે ભગવાન નવા રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે. જૂના રથની ડિઝાઇન અને તેના માપ મુજબ જ નવા રથ બનાવવામાં આવ્યા છે. રથની ઊંચાઈ અને પહોળાઈ જૂના રથ પ્રમાણે જ છે. એકમાત્ર નાનો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં રથની વચ્ચે ભગવાનને બેસાડવામાં આવે છે અને બાજુમાં જે પિલર બનાવવામાં આવેલા છે, તેની જગ્યામાં વધારો કરવામાં આવ્યો છે. જગન્નાથપુરી મંદિરની થીમ ઉપર કલર આપવામાં આવનાર છે તે મુજબ કલર કરવામાં આવશે.
હર્ષ સંઘવી દ્વારા રથનું પૂજન કરવામાં આવશે
22મી જૂને ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજવાની છે, ત્યારે આજે શનિવારે અખાત્રીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથનું પૂજન કરવામાં આવશે. અખાત્રીજના દિવસે ભગવાનને ચંદનનો શણગાર કરવામાં આવતો હોય છે. રથનું પૂજન કરી અને રથની કામગીરીની શરૂઆત થતી હોય છે. જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે રથનું પૂજન કરવામાં આવશે.
નવા રથમાં નગરચર્યાએ નીકળશે
વર્ષ 1950માં નવા રથ બનાવવામાં આવ્યા હતા. 72 વર્ષ બાદ આ વર્ષે 73માં વર્ષે નવા રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી નવા રથમાં બિરાજમાન થઈ અને નગરચર્યાએ નીકળવાના છે. આ વર્ષે નવા રથ બનાવવાના હોવાથી દિવાળી બાદ લાકડા આવવાનું અને નાનું-મોટું કામ શરૂ થઈ ગયું હતું. આ રથ બનાવવામાં ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે.
જૂના રથ પ્રમાણે જ નવા રથ બનાવાયા
જમાલપુરના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે નવા રથમાં ભગવાન બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે. ગયા વર્ષે નવા રથ બનાવવાની વાત થઈ હતી અને આ રથનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે રથ બનીને તૈયાર થઈ ગયા છે. નવા રથની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જૂના રથ પ્રમાણે નવા રથ બનાવવામાં આવ્યા છે.
એક મહિનામાં રથ તૈયાર થઈ જશે
જો રથની વિશેષતાની વાત કરવામાં આવે તો આ રથ જે જૂના રથ હતા તે જ ડિઝાઇન તે જ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈના માપ મુજબ જ બનાવવામાં આવ્યા છે. તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. પ્રાર્થના જે પૈડા લગાવવાની કામગીરી છે, તે આજથી શરૂ કરી દેવામાં આવી છે. આગામી એક મહિનામાં આ રથના પૈડા લાગી અને સંપૂર્ણપણે રથ બનીને તૈયાર થઈ જશે. રથ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા બાદ એક વખત રથ નવા હોવાથી તેનું ટ્રાયલ કરવામાં આવશે. મંદિર પરિસરમાં અથવા તો જ્યાં રથ મૂકવામાં આવ્યા છે, ત્યાં રથનું ટ્રાયલ કરવામાં આવશે.
રથ અમદાવાદના સુથાર દ્વારા તૈયાર કરાયા
ભગવાનના રથ બનાવવા માટે 400 ઘનફૂટ જેટલું સાગનું, જ્યારે 150 ઘનફૂટ સિસમનું લાકડું વાપરવામાં આવ્યું છે. જેમાં 400 ઘનફૂટ લાકડાનો ઉપયોગ રથ બનાવવા, જ્યારે 150 ઘનફૂટ સિસમના લાકડાનો ઉપયોગ રથના પૈડા બનાવવા માટે થયો છે. સિસમનું લાકડું સખત, ટકાઉ હોય છે. તે સડા અને કીટાણુ રોધી અને ઘણું વધુ ટકાઉ બને છે, માટે તેનો ઉપયોગ પૈડા બનાવવા માટે કરવામાં આવ્યો છે. આ રથ અમદાવાદના સુથાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. દરરરોજ 10 કલાક કારીગરો કામ કરતાં હતા. પ્રથમ રથની ડિઝાઇન દેવી-દેવતાઓની મૂર્તિઓ અને સુદર્શન ચક્રની થીમ પર બન્યા છે. બીજા રથ શુભદ્રાજીના લાલ, પીળા રંગ સાથે નવ દુર્ગાની થીમ પર બનાવાશે. જ્યારે ત્રીજા બળભદ્રજીના રથને ચાર અશ્વની થીમ પર બનાવાશે.
હવે નવા રથમાં ભગવાન નગરચર્યાએ નીકળશે
2 જુલાઈ 1878ના રોજ સૌ પ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવી હતી. આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નિકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નિકળી નગરજનોને દર્શન આપે છે. છેલ્લા 145 વર્ષથી વર્તમાન સમયમાં રથ છે, તેના દ્વારા જ રથયાત્રા નીકળતી હતી. પણ હવે નવા રથમાં ભગવાન નગરચર્યાએ નીકળશે.
Average Rating
More Stories
DGP:વિકાસ સહાય રાજ્યના નવા DGP નો ચાર્જ સંભાળશે .
Gujarat:બે કલાકમાં પાસપોર્ટ,અમેરિકામાં કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પિતાને માત્ર બે કલાકમાં પાસપોર્ટ બનાવી આપ્યો
Gujarat:ચૂંટણી કાર્યાલયોમાં 1 કરોડના ચા-નાસ્તા થયાં.અમદાવાદના તમામ 249 ઉમેદવારોએ ચા-નાસ્તા, મંડપ, રેલી, વાહન, પેટ્રોલ પાછળ 16.20 કરોડનો ધુમાડો કર્યો