GST:જીએસટી ચોરી કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં અમદાવાદની 6 નકલી પેઢી – કંપનીના માલિક સહિત 16 જણાનો સમાવેશ થાય છે. જીએસટીની ચોરી કરવા માટે નકલી પેઢી – કંપની ઉભી કરનારા લોકોએ રૂ.500થી લઈને રૂ.5 લાખ ચૂકવીને ત્રાહિત વ્યક્તિઓના આધાર કાર્ડ, પાનકાર્ડ, ભાડા કરાર સહિતના ડોકયુમેન્ટસ લીધા હતા. જેના આધારે જીએસટી નંબર લઈને આ કૌભાંડ આચર્યું હતું.
આ નકલી પેઢીઓમાં ગજાનંદ એન્ટરપ્રાઈઝના માલિક રાજુ પટણીએ તેમના મિત્ર વિશાલ પટણીએ રૂ.5 હજાર લઈને રાજુભાઈના નામનો ભાડા કરાર બનાવી આપ્યો હતો. તેના આધારે રાજુભાઈ એ જીએસટી નંબર મેળવી લઈ ખરીદ – વેચાણના ખોટા બીલો રજૂ કરીને સરકારમાં પોતાની વેરા શાખ ઉભી કરી હતી.
આવી જ રીતે સીએનકે એન્ટપ્રાઈઝના માલિક ચિરાગ કડિયાએ તેના બનેવી જિતેન્દ્રકુમાર કડીયાને રૂ.2 હજાર આપવાનું કહીને ભાડાં કરાર કરાવડાવ્યો હતો. તેમના નામે જીએસટી નંબર મેળવી લઈ ખરીદ-વેચાણના બીલો બનાવીને કૌભાંડ કર્યું હતું.
ઝવેરી એન્ટપ્રાઈઝના માલિક અશ્વિન ચાવડાના માલિકની પૂછપરછ કરતા નીતિન નામના માણસે રૂ.200માં આધાર કાર્ડ, પાનકાર્ડ, આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટસ લઈ જીએસટી નંબર લીધો હતો. મે.અક્ષર. એન્ટરપ્રાઈઝના માલિક અક્ષયકુમાર સુરેશભાઈ મકવાણાની જીએસટીના અધિકારીઓએ પૂછપરછ કરતા તેના મિત્ર નિખિલ પ્રદીપભાઈ ગુપ્તાએ સંજય પરમાર માટે તેમના ડોક્યુમેન્ટ લીધા હતા. જેના આધારે બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. જેના માટે રૂ.6 હજાર આપ્યા હતા.
મે.વાઘેલા એન્ટરપ્રાઈઝ ના માલિક સંજય ડાહ્યાભાઈ વાઘેલાની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, સંજય આર્થિક ભીંસમાં હોવાથી લોનની જરૂર હોવાથી નદીમભાઈને વાત કરી હતી. જેથી નદીમે તેને લોન અપાવવા માટે આધાર કાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા. જેની સામે નદીમે સંજયને રૂ.10 હજાર આપીને બીજા રૂ.15 હજાર પછી આપવાની વાત કરી હતી. જ્યારે મે.સપના એન્ટરપ્રાઈઝના માલિક સ્વપ્નીલ હિતેશભાઈ પટેલના કાકા રાજુભાઈ મામતોરાને કંપની ખોલવા માટે ડોક્યુમેન્ટની જરૂર હોવાથી સ્વપ્નીલે ડોક્યુમેન્ટ આપીને ઓઢવમાં ફેક્ટરીના ભાડાં કરાર ઉપર સહી કરી આપી હતી. જેના માટે રાજુભાઈએ બેન્કમાં સ્વપ્નીનું એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું.
આધાર, પાન, ભાડા કરાર આ રીતે મેળવાય છે
મે.સપના એન્ટરપ્રાઈઝના માલિક હિમાંશુ અગ્રવાલને પેઢીના રજિસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટની જરૂર હતી. જેથી તેમણે ડ્રાઈવર સિદ્ધાર્થ શાહ મારફતે રાજીવ વનમાળીદાસ મામતોરાને રૂ.2.50 લાખ આપ્યા હતા. જ્યારે આ કામ માટે સિદ્ધાર્થે પણ હિમાંશુ અગ્રવાલ પાસેથી રૂ.2.50 લાખ લીધા હતા. આવી જ રીતે હિમાંશુ અગ્રવાલે મે.સપના એન્ટરપ્રાઈઝ માટે રાજુ પટેલને રૂ.2.50 લાખ આપીને ડોક્યુમેન્ટ લીધા હતા.
પૈસાની લાલચ કે વિશ્વાસે ડોકયુમેન્ટસ આપ્યા હતા
જીએસટીના અધિકારીઓએ જે પણ ડમી કંપની – પેઢીના માલિકોની તપાસ કરી, તેમાં અમુક લોકોએ 200 – 500 રૂપિયા જેવી સામાન્ય રકમમાં આધાર કાર્ડ, પાનકાર્ડ, ભાડા કરાર કરી આપ્યા હતા. ત્યારે અમુકમાં નજીકના સગા – સબંધીએ તો અમુક કિસ્સામાં મિત્રો કે નજીકના લોકોના વિશ્વાસમાં આવીને ડોકયુમેન્ટસ આપ્યા હતા.
GSTની ચોરી આ રીતે કરવામાં આવતી હતી
ઘણી બધી કંપનીઓ તેમની પ્રોડકટની ઓછી કિંમત દર્શાવવા માટે જીએસટી નંબર વાળા ખોટા બિલ લેતા હોય છે. આવી કંપનીઓને જીએસટી નંબર વાળા બિલ આપવા માટે કેટલાક લોકો ખોટી કંપની – પેઢી બનાવે છે. ત્યારબાદ જુદી જુદી કંપનીના લોકોને જરૂરિયાત પ્રમાણે જીએસટી નંબર વાળા ખરીદ – વેચાણના બીલો આપે છે.
5 દિવસમાં 13 ડમી કંપની સામે 4 ફરિયાદ નોંધાઈ
જીએસટી ચોરી કૌભાંડ અંગે મળેલી ફરિયાદોના આધારે જીએસટીના અધિકારીઓએ જુદી જુદી કંપની, પેઢી, ફેકટરી, કારખાના, ઓફિસો, દુકાનોમાં દરોડા પાડયા હતા. તેમાંથી અમુક જગ્યાએ કંપની, પેઢી, ફેકટરીનું અસ્તિત્વ જ નહીં હોવાનું ધ્યાન ઉપર આવ્યુ હતુ. જેના આધારે જીએસટીના અધિકારીઓએ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને જાણ કરતા છેલ્લા 5 દિવસમાં 13 ડમી કંપનીના 27 લોકો સામે ક્રાઈમ બ્રાન્ચમાં 4 ફરિયાદ નોંધવામાં આવી છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.