
Gujarat:ઉત્તરીય ઠંડા પવનોને પગલે હાડ ગાળી નાખતી ઠંડી પડતાં લોકોને સીઝનની રેકોર્ડબ્રેક ઠંડીનો અનુભવ થયો છે. ગત 15મી જાન્યુઆરીએ આકરી ઠંડીને પગલે ગાંધીનગરનું લઘુતમ તાપમાન સિંગલ ડિજિટમાં આવી ગયું હતું. જ્યારે ઉત્તરાયણના દિવસે ગુજરાતનું લઘુતમ તાપમાન 10 ડીગ્રી અને વાસી ઉત્તરાયણના દિવસે લઘુતમ તાપમાન 8.3 ડીગ્રી નોંધાયું છે. દિવસનું મહત્તમ તાપમાન 24 ડીગ્રી નોંધાતાં લોકોને દિવસે પણ ગરમ વસ્ત્રોનો સહારો લેવાની ફરજ પડી છે.
ત્રણથી ચાર દિવસ ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જવાને કારણે હિમાલય તરફથી આવતા સીધા પવન ગુજરાતના અમદાવાદ સહિત મોટા ભાગનાં શહેરોમાં કડકડતી ઠંડી પડી નોંધાઈ હતી. ઠંડા પવનને કારણે અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડીગ્રીએ પહોંચી ગયો હતો. નલિયામાં સૌથી વધુ 1 ડીગ્રી ઠંડી નોંધાઈ હતી. આ સિવાય 10 શહેરમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રીથી નીચે નોંધાયું હતું. હજુ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન મોટા ભાગનાં શહેરોમાં ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે, જેથી અમદાવાદમાં સીઝનમાં ત્રીજી વખત ઠંડીનો પારો 10 ડીગ્રી નીચે પહોંચ્યો છે. અમદાવાદના તાપમાનમાં સાડા પાંચ ડીગ્રીનો ઘટાડો થતાં લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો.

ઠંડીનું મોજું ફરી વળતાં જનજીવન પ્રભાવિત
ડીસા, પાટણ અને મહેસાણા શહેરમાં ઠંડી 9 ડીગ્રીથી નીચે અને હિંમતનગર તથા મોડાસાનું તાપમાન 11 ડીગ્રીથી નીચે રહેતાં ઉત્તર ગુજરાત થથરી ઊઠ્યું છે. છેલ્લા 2 દિવસથી ઉત્તર ગુજરાત પરથી પસાર થતા ઠંડીના મોજાએ સામાન્ય જનજીવનને ભારે અસર કરી છે. મોટા ભાગના લોકો સૂર્યોદય બાદ પણ સૂર્યનાં કિરણો આકરા બને એની રાહ જોઇ ઘરોમાં પુરાઇ રહેવા મજબૂર બન્યા છે. એવી જ રીતે સૂર્યાસ્તની સાથે લોકો ઘરોની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાં ઠંડીનો પારો
| મહેસાણા | 8.6 (-2.7) ડીગ્રી |
| પાટણ | 8.4 (-3.7) ડીગ્રી |
| ડીસા | 8.2 (-3.6) ડીગ્રી |
| હિંમતનગર | 10.1 (-1.2) ડીગ્રી |
| મોડાસા | 10.6 (-2.1) ડીગ્રી |
નલિયામાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
કચ્છમાં પવન વેગે ઠંડી વધતાં રાજ્યના શીતમથક નલિયામાં રાત્રે પારો 1 ડીગ્રીએ પહોંચ્યો હતો અને છેલ્લાં 10 વર્ષમાં જાન્યુઆરી મહિનામાં રેકોર્ડબ્રેક સૌથી નીચું તાપમાન રહ્યું હતું. આ અગાઉ 2012માં નલિયાનો લઘુતમ પારો 0.8 ડીગ્રી રહ્યો હતો. વર્ષ 2023ના પ્રારંભ સાથે જ જાન્યુઆરીમાં નીચા તાપમાનનો રેકોર્ડ આ એક જ મહિનામાં તૂટી ગયો છે અને તાજેતરમાં જ નલિયામાં લઘુત્તમ પારો 2 ડીગ્રી રહ્યા બાદ મકરસંક્રાંતિની રાત્રિએ પારો ગગડીને 1 ડીગ્રીએ પહોંચી ગયો હતો, જેથી લોકો ‘શી પે તો’ (ઠંડી પડે છે) તેમ કહીને આવશ્યક કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. કાંઠાળ પટ્ટા ઉપરાંત રણ વિસ્તારમાં ઠંડીની અસર વધુ જણાઇ હતી.

Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.