Gujarat:સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વ્યાજખોરો સામે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પોલીસે દરેક મોટાં શહેર અને જિલ્લા – તાલુકા મથકોમાં લોક દરબાર યોજી કરજદારોને વ્યાજખોરોની કનડગત સામે ફરિયાદ નોંધાવવા માટે આહવાન કરતા બે સપ્તાહમાં જ 500થી વધુ વ્યાજખોરો સામે ફરિયાદ થઈ છે. જ્યારે 643 લોકો સામે ગુના દાખલ થયા છે અને 468થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સેંકડો લોકોએ વ્યાજખોરોના આતંક વિશે ભીની આંખે પોલીસને રજૂઆત કરી હતી.
મોટાભાગની ફરિયાદોમાં જણાયું હતું કે કરજદારે નક્કી થયા મુજબ ઊંચું વ્યાજ અને મુદ્દલ રકમ ચૂકવી દીધા પછી પણ વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખી હતી. આવા કેટલાક કિસ્સામાં પીડિતોએ આપઘાત કર્યા હોવાની, ક્યાંક કરજદારોની પત્નીઓનો ઉપભોગ કર્યો હોવાની કે તેમની માલમિલકત પડાવી લેવાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. અમુક કિસ્સામાં તગડું વ્યાજ ઉઘરાવાનારા બીજા કોઇ નહીં પરંતુ પોલીસના સાગરિતો કે રાજકારણીઓની સંડોવણી પણ બહાર આવી છે.
અમદાવાદ શહેરમાં પોલીસની ડ્રાઈવમાં વ્યાજખોરો વિરુદ્ધ અત્યાર સુધીમાં 80 અરજીઓ પોલીસને મળી છે સાથે જ પોલીસે 20 જેટલા ગુના પણ નોંધ્યા છે
કિસ્સો 1 | વ્યાજખોર એટીએમ મેળવી ચાર વર્ષથી પગાર પડાવી લેતો
ગોમતીપુરના યુવકની માતાને હાર્ટ એટેક આવતા દાખલ કરી હતી, જેથી તેણે બહેરામપુરાના વ્યાજખોર પાસેથી રૂ.1 લાખ પાંચ ટકાના વ્યાજે લીધા હતા. જેના બદલામાં વ્યાજખોરો યુવકનંુ બેંકનું એટીએમ, પાસબુક, ચેક બુક મેળવી લીધી હતી. બાદમાં છેલ્લા ચાર વર્ષથી યુવકનો જે પણ પગાર આવે તે બારોબાર વ્યાજખોર મેળવી લેતો હતો. ચાર વર્ષમાં રૂ.4.50 લાખથી વધારે રૂપિયા મેળવ્યા છતાં પણ વધુ પૈસાની માંગણી કરીને ત્રાસ આપતો હતો.
કિસ્સો 2 | બે લાખના પાંચ લાખ ભર્યા છતાં વ્યાજખોરની ધમકીથી યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો..
આનંદનગરના યુવકે બે લાખ રૂપિયા 20 ટકા વ્યાજે લીધા હતા. ધીમે ધીમે કરીને કુલ 5 લાખ રૂપિયા વ્યાજખોરને ચૂકવી આપ્યા હોવા છતા વ્યાજખોર વધુ વ્યાજની માંગણી કરીને પરિવારને ઉઠાવી દેવાની ધમકી આપતો હતો. તંગ આવીને યુવકે જંતુનાશક દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
કિસ્સો 3 | રૂ.2 લાખના 3.60 લાખ આપ્યા છતાં વ્યાજખોરે કાર પડાવી લીધી
સોલામાં રહેતા યુવકે 1 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા બાદ 3.60 લાખ ચૂકવી પણ આપ્યા હતા, તેમ છતાં વધુ પૈસાની માંગણી કરીને યુવકના ઘરે જઈને કાર પડાવીને પૈસા નહીં આપે તો કાર નહીં આપંુ તેમ કહીને કાર લઈ ગયો હતો.
સુરતમાં રિક્ષાચાલકે 4.50 લાખની રકમ સામે 6.44 લાખ ચૂકવ્યા છતાં 8 લાખની ઉઘરાણી કરી મકાન પડાવી લીધું
ડિંડોલીમાં ઉમા રેસીડન્સીના મકાનમાં ભાડે રહેતા 55 વર્ષીય રિક્ષાચાલક અજયસિંહે દીકરીના લગ્ન અને પિતાની સારવાર માટે જરૂર પડતા 2016માં સંજીવકુમાર ઉર્ફે ગુડ્ડુસિંગ પાસેથી 2 ટકાના વ્યાજે 4.50 લાખની રકમ લીધી હતી. વ્યાજખોરે રિક્ષાચાલકના મકાનનો કબજા સહિતનો વેચાણ કરાર લખાવી લીધો હતો. અજયસિંહે ટુકડે ટુકડે કરી વ્યાજ અને મુદ્દલ સાથે 6.44 લાખની રકમ ચુકવી છતાં વ્યાજખોરો વધારાના 8 લાખની રકમ 4 ટકા વ્યાજે ઉઘરાણી કરી દંપતીને માર મારી ઘરમાં કબજો કરી લીધો હતો.
વ્યાજ ઉઘરાવતા માફિયાઓએ વેપારીની રાજસ્થાનની પ્રોપર્ટી પણ પડાવી લીધી
સુરતમાં ઉધના ખાતે રહેતા કાપડના વેપારી જીતેન્દ્ર શેઠીયાએ ધંધા માટે માસિક 7 ટકા લેખે 27.57 લાખની રકમ વ્યાજે સિટીલાઇટના વ્યાજખોરો રમેશ ગંગવાણી અને તેના પાર્ટનર હરીશ રામકીશન નારંગ પાસેથી લીધી હતી. આ રકમની સામે 38.50 લાખ રૂપિયા આપી દીધા છતાં વ્યાજખોરો ધાકધમકી આપી ગાળાગાળી કરી રહ્યાં છે.
વ્યાજખોરોના ત્રાસથી લાચાર બની ગયેલા લોકોની દર્દનાક કહાની…
પંચમહાલ : વ્યાજખોરોની 9 ફરિયાદ, 8 પકડાયા, 7 ભાગેડુ, 86 વર્ષના વ્યાજખોરના મનમાં વાસનાનો કીડો
મારા વિકલાંગ પતિએ વ્યાજે રૂપિયા લઇ સહી કરેલા ચેક આપ્યા હતા. વ્યાજખોર સુલેમાન ઇબ્રાહીમ રહેમાને 7 હજારના ચેકમાં રૂ. 10 હજાર ભરીને ખોટો કેસ કરી કરજદારને જેલમાં પુરાવી દીધો હોવાની ફરિયાદ કરતા કરજદારની પત્નીએ જણાવ્યું કે, સુલેમાન મારી પાસે ઊંચી રકમની માગણી કરે છે. મારા પતિને જામીન આપવાનં કહેતા 86 વર્ષનો વ્યાજખોર અભદ્ર માગણી કરે છે અને ધમકીઓ આપે છે.
રૂપિયા આપનાર વિરેને કાર પડાવી લીધી
ગોધરાના તન્મય મહેતાએ વ્યાજખોર વિરેન પરમાનંદ લાલવાણી પાસેથી 10 ટકાના વ્યાજે રૂા.2.70 લાખ લીધા હતા.વ્યાજે લીધેલી રકમ કરતાં વધુ રૂા.6.87 લાખ ચુકવ્યા છતાં વિરેને વધારે વ્યાજ સાથેની રકમ વસુલવા બળજબરીથી કાર પડાવી લીધી હતી. પોલીસે બાદમાં કાર છોડાવી આપી હતી.
વડોદરામાં રાત્રિબજારના વેપારીએ પોતાની 9 દુકાન અને આઈસક્રીમની ફેક્ટરી ગુમાવી
વડોદરાના રાત્રિબજારના એક વેપારી દિનેશ શર્મા પાસે કોરોનાકાળ પહેલા 9 દુકાનો હતી પણ આજે વ્યાજખોરીના ચક્કરના કારણે તેમની પાસે એક પણ દુકાન રહી નથી. 2018માં તેઓને માત્ર 2 દિવસ માટે 6.3 લાખ રૂપિયા જોઈતા હતા જેથી તેઓએ પ્રણવ ત્રિવેદી પાસેથી લીધા હતા. પ્રણવે તે સમયે 6 લાખ કેશ અને 6 લાખ દિનેશભાઈની પત્નીના બેંક અકાઉન્ટમાં નાખ્યા હતા. 2 દિવસમાં દિનેશભાઈએ રકમ ચૂકવી પણ દીધી હતી. પણ ત્યાર બાદ કોઈને કોઈ કારણોથી પ્રણવ અને તેનો ભાઈ ગૌરાંગ દિનેશભાઈ પાસેથી પૈસા પડાવતા હતા અને જો નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. દિનેશભાઈએ 3 વર્ષમાં 6 લાખના 84 લાખ પ્રણવને આપ્યા છતાં તે રૂપિયા માગી રહ્યો છે. તેની દાદાગીરીના કારણે દિનેશભાઇનો દીકરો ધો. 10ની પરિક્ષા પણ આપી શક્યો નહતો.
‘બધું જ છોડ તારી પત્ની મને એક દિવસ માટે આપી જા ’
વડોદરામાં રિતેશ પંચાલને 2018માં પૈસાની જરૂર પડતા ચંદ્રાવત પાસેથી 1 લાખ રૂપિયા 15 ટકા વ્યાજે લીધા હતા. તે દર મહિને વ્યાજ પણ ભરતાં હતો પણ તેઓને 15 ટકા વ્યાજ ન પોસાતાં તેઓએ આ અંગે ચંદ્રાવતને વાત કરતા તેણે જણાવ્યું હતું કે તુ મૂડી અને વ્યાજ બધુ જ છોડ એક દિવસ માટે તારી પત્ની આપી જા. જેથી રિતેશભાઈએ મકાન ગીરવે મૂકીને 5 લાખ ચૂકવી દીધા હતા.
‘મારા પતિએ વ્યાજખોરના કારણે આત્મહત્યા કરી લીધી’
20 સપ્ટેમ્બર 2022ના રોજ વહેલી સવારે નિવૃત્ત કારકુન કનુ વસાવાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેમના પત્નીએ વડોદરામાં લોક દરબારમાં જણાવ્યું હતું કે વ્યાજખોરોથી ત્રાસીને પતિ આત્મહત્યા કરી એ પછી પણ ત્રાસ ચાલુ રહ્યો હતો.
રાજકોટમાં યુવકે ત્રાસથી આત્મહત્યા કરી હતી, પરિવાર નોંધારો
રાજકોટના મનોજ વૈઠા નામના યુવકે 30 મે 2022ના આપઘાત કરી લીધો હતો, આ અંગે લોકદરબારમાં મનોજભાઇના પત્ની કાજલબેને પોલીસ કમિશનર સમક્ષ જણાવ્યું હતું કે, તેમના પતિ મનોજભાઇએ રાજુ બોરીયા, સુરેશ આહિર, બચુ બોરીયા પાસેથી રૂ.4 લાખ 15 થી 20 ટકા વ્યાજે લીધા હતા, શક્ય હતું ત્યાં સુધી તેના પતિએ વ્યાજ ચૂકવ્યું હતું પરંતુ વ્યાજ ચૂકવવાનું બંધ કરતાં વ્યાજખોરોએ કડક ઉઘરાણી કરી હતી અને તેના ત્રાસથી કંટાળી મનોજભાઇએ આપઘાત કરી લીધો હતો, વિધવા કાજલબેન લોકદરબારમાં તેમના બે પુત્ર સાથે આવ્યા હતા અને સાથે તેમના સ્વર્ગસ્થ પતિની ફોટોફ્રેમ લઇને આવ્યા હતા.
મકાન લખી દેવાની ધમકીના પગલે પીડિતાએ ડેમમાં પડતું મૂક્યું હતું
રાજકોટના મુમતાઝ બેન વ્યાજખોરોના ત્રાસથી ન્યારી ડેમમાં કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમના પતિ હયાત નથી. 3 વર્ષ પહેલા મકાન બનાવવા માટે તેમણે 5 લાખ વ્યાજે લીધા હતા. એક વર્ષથી બચતો વપરાઈ ગયા બાદ વ્યાજખોરોએ અસહ્ય માનસિક ત્રાસ આપ્યો હતો.
દાહોદ શહેરમાં એક યુવકે વ્યાજખોર પાસેથી 10 ટકાના વ્યાજે 2019માં 2.50 લાખ રૂપિયા લીધા હતાં. માસિક 25 હજાર રૂપિયાના હપ્તા પેટે વ્યાજ સાથે 5.75 લાખ રૂપિયા ચુકવી દીધા હતાં. તે છતાય રૂપિયાની માગણી કરાતી હતી. આ સાથે વિશ્વાશમાં લઇને કોરા ચેક લઇ બેન્કમાં નાખી દઇ તે બાઉન્સ કરાવીને વ્યાજખોર દ્વારા કોર્ટમાં કેસ પણ કરી દેવાયો હતો.
2.95 લાખના 11 લાખ ચૂકવ્યા છતાં બીજા 3.5 લાખ બાકી કાઢ્યા
દાહોદ શહેરમાં આઠ ટકાના વ્યાજે ટુકડે-ટુકડે લીધેલા 2.95 લાખ રૂપિયાના બદલે 11 લાખ રૂપિયા આપી દીધા હોવા છતાં વ્યાજખોર દ્વારા હજી 3.50 લાખ રૂપિયાની માગણી કરીને મારામારી કરવાની ધમકી આપવામાં આવતી હતી. 7 જાન્યુઆરીના રોજ એક વ્યાજખોર સામે દાહોદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
કચ્છ રાજ્ય સરકારે છેડેલી વ્યાજખોરી વિરુદ્ધની લડાઈમાં કચ્છ પોલીસે આપેલી હિંમતને પગલે વ્યાજની ચુંગાલમાં ફસાયેલા પૈકી 19 જણ ફરિયાદ માટે આગળ આવ્યા છે.સૌથી ચોંકાવનારી વાત એ છે કે આખા કચ્છમાં ગરમ તાસીર અને ક્રાઈમ રેસીયામાં ઊંચું સ્થાન ધરાવતા રાપર તાલુકામાં પોલીસના લોકદરબારમાં એક પણ જણ ફરિયાદ કરવા આગળ આવ્યો નથી.જે વાગડના વ્યાજવટાવનો ધંધો કરતા માથાભારે તત્વોની કેટલી મોટી ધાક છે તે આપોઆપ સાબિત કરે છે. એક કિસ્સાની વિગતો મુજબ આદિપુરના ડીસી-5 માં રહેતા હિનાબેને કરેલી અરજી મુજબ તેમના પતિ ગાંધીધામના મહેન્દ્ર માવજી ભાનુશાલી પાસેથી વ્યાજે રૂપિયા લેતા હતા. તેમણે પોતાના પતિને એલઆઇસીનું પ્રિમિયમ ભરવા માટે સહી કરેલો કોરો ચેક આપ્યો હતો.
વ્યાજના વિષ્ચક્રમાં ફસાયેલા તેમના પતિ વ્યાજખોરોના ત્રાસથી છેલ્લા દોઢ વર્ષથી પરિવાર મૂકી જતા રહ્યા છે. સામે મહેન્દ્ર માવજીભાઇ ભાનુશાલીએ તેમના વિરૂધ્ધ રૂ.9,80,000 નો ચેક રિટર્નનો કેસ કરેલો છે ત્યારે એક તરફ કમાનાર મોભી ગૂમ થયા છે તેની વચ્ચે તેમના પરિવારની હાલત કફોડી બની છે ત્યારે છૂટકારો આપવા રજુઆત કરી હતી.દરમિયાન પશ્ચિમ કચ્છમાં યોજાયેલા લોક દરબારમાં ભુજમાં 2, મુન્દ્રામાં 2 અને માંડવીમાં 3 લોકોએ વ્યાજખોરીથી છુટકારો આપવા રજૂઆત કરી હતી.
ભાવનગર શહેર, જિલ્લાની વાત કરીએ તો અમૂક બનાવમાં પરિવારજનો જ તગડું વ્યાજ વસુલી રહ્યા હોવાની વિગતો સમામે આવી છે. ક્યાંક માતાપિતાએ સંતાન પાસેથી કે સાળાને બનેવીએ વ્યાજે રૂપિયા આપી હેરાન કર્યા હોવાની રજૂઆત મળી છે. હરેશ ભીખાભાઇ નામના યુવકે તેના બનેવી બિપીન નિરુભાઇની કડક ઉઘરાણીથી ત્રાસી ઝેરી દવા ગટગટાવી હતી. ઉપરાંત એક વૃધ્ધ દંપતીએ કોન્સ્ટેબલ પાસેથી વ્યાજે લીધેલા પૈસા સામે ચેક અને દસ્તાવેજો આપ્યા હતા. 15 ટકા જેટલું ઊંચુ વ્યાજ અને મુદ્દ્લ ચુકવ્યા બાદ પણ 5000ના બાકી લેણાના 56000 બાકી કાઢતા આ અંગે બે સપ્તાહ પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ફરિયાદ કરતા ન્યાય મળવાને બદલે પોલીસે ઘરે આવી ધમકી આપતા આ અંગે લોકદરબારમાં રજૂઆત કરતા પોલીસ તંત્રએ આ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધી તેને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપેલ છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.