Gujarat:ભૂપેન્દ્ર પટેલને ધારાસભ્ય દળના નેતા પસંદ કરાશે, બપોરે ભાજપ રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરશે

Views: 246
0 0
Spread the love

Read Time:7 Minute, 3 Second

Gujarat:આજે શનિવારે ગુજરાત વિધાનસભાગૃહના નેતાની ચૂંટણી માટે ભાજપના સભ્યોની એક બેઠક પ્રદેશ કાર્યાલય કમલમ પર યોજાવાની છે, જેમાં ભાજપ હાઇકમાન્ડે નિરીક્ષક તરીકે રાજનાથ સિંહ સહિત 3 નેતાને નીમ્યા છે. તેમની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક મળશે. એમાં ભૂપેન્દ્ર પટેલની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાશે.

ધારાસભ્ય દળના નેતાની પસંદગી ઔપચારિક પ્રક્રિયા
આ પ્રક્રિયા માટે ભાજપના રાષ્ટ્રીય સંગઠને નિરીક્ષક તરીકે કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા અને કેન્દ્રીય આદિજાતિમંત્રી અર્જુન મુંડાની નિમણૂક કરી છે. જોકે આ પ્રક્રિયા ઔપચારિક રહેશે. ભાજપના દરેક ધારાસભ્ય ગૃહના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની સર્વાનુમતે પસંદગી કરશે. આ પહેલાં તેમના નામની દરખાસ્ત સિનિયર નેતા કરશે. એ પછી પટેલ અને પાર્ટીના નેતાઓ રાજ્યપાલ સમક્ષ ગુજરાતમાં સરકાર રચવાનો દાવો કરશે અને મંત્રીમંડળની શપથવિધિ માટે સમય માગશે

શુક્રવારે મુખ્યમંત્રી કેબિનેટ સાથે રાજીનામું આપ્યું હતું
શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજભવનમાં તેમના કેબિનેટ મંત્રીઓ સાથે રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. તો સરકાર રચવાનો દાવો કરીને મુખ્યમંત્રીની શપથવિધિ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રાજ્યપાલ પાસે શનિવારે બપોરે 2 વાગ્યે મળવાનો સમય માગ્યો હતો. આજે કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાશે. નવી સરકારની રચનાની કવાયત ચાલી રહી છે. સોમવારે 12મી ડિસેમ્બરે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે.

પાટીલે ગાંધીનગરમાં 12મીએ શપથવિધિની જાહેરાત કરી
8 ડિસેમ્બરે જીતની ઉજવણી બાદ સીઆર પાટીલે 12મી ડિસેમ્બરે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે એવી કમલમથી જાહેરાત કરી હતી. એમાં ભાજપશાસિત તમામ રાજ્યના મુખ્યમંત્રીને આ શપથવિધિમાં બોલવવામાં આવશે. એટલું જ નહીં, જે સ્ટારપ્રચારકોએ ગુજરાતમાં ભાજપની સરકાર માટે મહેનત કરી હતી તે તમામ હાજર રહેશે એવી માહિતી ભાજપનાં સૂત્રો પાસેથી મળી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપની સૌથી મોટી જીત ઉજવણી માટે તૈયારી કરી દેવામાં આવી છે. એક સમયે તો વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શપથવિધિ થશે એવી અફવા પણ ઊડી હતી

શાહે સરકારના ગઠન માટે બીજા તબક્કાની ચૂંટણી પહેલાં બેઠક કરી
ગુજરાતમાં 93 બેઠક પર મતદાન થાય એ પૂર્વે 4 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ પર એક બેઠક કરી હતી. દોઢ કલાક જેટલા લાંબા સમય સુધી અહીં ચર્ચા ચાલી હતી. ભાજપે પ્રથમ તબક્કાના ઉમેદવારોને કમલમ્ પર મળવા માટે બોલાવ્યા અને બીજા તબક્કાના ઉમેદવારોને પણ મળવા બોલાવાયા હતા.

અગાઉ સતત 3 વખત નરેન્દ્ર મોદીએ કમૂરતામાં સરકાર રચી
નરેન્દ્ર મોદીએ અગાઉ 2002માં કમૂરતામાં જ ચૂંટણી જીતીને સરકાર બનાવી હતી, જેમાં 22 ડિસેમ્બરે તેમની સાથે આખા મંત્રીમંડળે શપથ લીધા હતા. તો 2007માં 23 ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સરકારના મંત્રીમંડળના શપથવિધિ યોજાઈ હતી. જ્યારે છેલ્લે 2012માં 20 ડિસેમ્બરે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને તેમના મંત્રીમંડળને શપથ અપાયા હતા. આમ, સતત 3 વાર મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની કમૂરતામાં જ શપથવિધિ યોજાઈ હતી. જ્યારે છેલ્લે કમૂરતામાં વિજય રૂપાણીએ શપથ લીધા હતા. જ્યારે હવે સંભવતઃ ભૂપેન્દ્ર પટેલ 14 ડિસેમ્બરે કમૂરતા પહેલાં શપથ લેશે.

ભાજપ છોડી અપક્ષ લડેલા ઉમેદવારોને ક્યારેય પરત નહીં લેવાય
ભાજપમાંથી ટિકિટ ન મળતાં અપક્ષ ચૂંટણી લડેલા ઉમેદવારોને ભાજપ પરત ક્યારેય નહીં લે એવું પાટીલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સામે પક્ષે જઇને જીત્યા એમાંથી એકપણને અમે આ ચૂંટણી વખતે પાછા લીધા નથી. અપક્ષો જીતે તેવી કોઈ શક્યતા નથી, જીતે તોપણ તેમને પાછા નહીં લેવાય.

સૌથી વધુ બેઠકો, વોટશેર અને લીડનો રેકોર્ડ બનશે
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થયું હતું અને હવે સોમવારે બીજા તબક્કાનું મતદાન થવાનું હતું ત્યારે જ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે પ્રથમ તબક્કાના મતદાનના આધારે કહ્યું હતું કે અત્યારે કેટલી બેઠકો જિતાશે એનો આંકડો આપવો અત્યારે ઉચિત નથી, પરંતુ અમે ત્રણ વિક્રમો બનાવીશું. આ ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ બેઠકો જીતવાનો, સૌથી વધુ વોટશેર હાંસલ કરવાનો અને મોટી લીડથી જીતતા ઉમેદવારોની સૌથી વધુ સંખ્યા બનાવવાનો રેકોર્ડ અમે તોડી નાખીશું. મતદાનની ટકાવારી ઓછી રહી એ અંગે પાટીલે કહ્યું હતું કે ભાજપની પેજ સમિતિનું કામ ભાજપની તરફેણમાં મતદાન કરાવવાનું હતું. સમિતિઓએ કુલ મતમાં તેમણે ભાજપના ઉમેદવારોનું મતદાન વધાર્યું હતું, ભલે મતદાન નીચું ગયું, પણ કુલ મતોનો આંકડો ગણીએ તો ગુજરાતમાં 2017 કરતાં 2022માં 11 લાખ મત વધુ પડ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed