Gujarat Elections:વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર 4 દિવસ બાકી છે. ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ ખરાખરીના પ્રચારમાં ઉતરશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપનો ઝંઝાવતી પ્રચાર કરશે. જેમાં ભરૂચના નેત્રંગ, ખેડા અને સુરતાના મોટા વરાછામાં સભા છે. તો અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. પીએમ મોદી ભરૂચના નેત્રંગમાં બપોરે દોઢ વાગ્યે વિજય વિશ્વાસ સંમેલનમાં સંબોધન કરશે. જ્યારે બપોરે 3.30 વાગ્યે ખેડામાં અને સાંજે 6.30 વાગ્યે સુરતના મોટા વરાછાના ગોપીન ગામ ખાતે જંગી જાહેર સભા સંબોધશે.
દાદાનો શનિવારે ઘાટલોડિયામાં રોડ, આજે બોપલ ઘુમામાં
આજે બોપલના વકીલ સાહેબ બ્રીજથી બોપલ ઘુમા વિસ્તારમાં રોડ શોનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં સમર્થકો ભૂપેન્દ્ર પટેલના રોડ શોમાં જોડાયા છે. 10 કિમી વિસ્તારમાં રોડ શો દ્વારા ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી પ્રચાર કરશે. ગઈકાલે ઘાટલોડિયામાં ભૂપેન્દ્ર પટેલે પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં રોડ શો યોજાયો હતો. મેમનગરના સુભાષ ચોક ખાતે ભીડભંજન હનુમાન મંદિરે દર્શન ગુરુકુળ રોડ પરથી આ રોડ શો શરૂ કરી મત વિસ્તારમાં ફરીને બોડકદેવ ગામ ખાતે પૂર્ણ કર્યો હતો. મુખ્યમંત્રીએ 1000 બાઇકો અને 50 જેટલી ગાડીઓ સાથે 12 કિલોમીટરનો રોડ શો યોજાયો હતો.
અમદાવાદમાં રન ફોર વોટ…
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રન ફોર વોટનું આયોજન અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. લોકો મતદાન કરે અને જાગૃત થાય તેના માટે યોજાયેલી આ દોડમાં 15,000 જેટલા લોકોએ ભાગ લીધો હતો. લોકો વધુમાં વધુ વોટ કરવા પ્રેરિત થાય તેના માટે આ રન પર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભસદનથી ઇન્કમટેક્સ સુધી આ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેર અને જિલ્લા સહિતના ગામડાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ લોકોએ ભાગ લીધો હતો.
1 જાન્યુઆરી 2024ના અયોધ્યા મંદિર તૈયાર હશે: અમિત શાહ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં વેજલપુર વિધાનસભા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર સભા સંબોધી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકારે શાંતિ સ્થાપવાનું કામ કર્યું છે. કોંગ્રેસની સરકારમાં અમદાવાદમાં છાશવારે શાંતિ ડહોળવામાં આવતી હતી. રાધિકા જીમખાનાની ઘટના ભૂલાય એવી નથી. શહેરની શાંતિને વિંખી નાખી હતી. નરેન્દ્ર મોદીએ વખતે મુખ્યમંત્રી હતા અને રમખાણ કરાવનારાઓને એવો પાઠ ભણાવ્યો કે એ ઘડી અને આજનો દિવસ ગુજરાતમાં ક્યારેય રમખાણ થયા નથી. પહેલાં કાંકરિયા લેક દુર્ગંધ મારતો હતો અને હવે અટલ ટ્રેનમાં પરિવાર બાળકો સાથે આવતો થયો છે. 10 વર્ષ સુધી મનમોહન અને સોનિયાની સરકારમાં દેશના જવાનો મરતા હતા. હવે પાકિસ્તાન ભૂલી ગયું કે સરકાર બદલાઈ ગઈ છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. લોહીની નદીઓ વહેવાની વાત કરતા હતા. કાશ્મીરમાં 3 વર્ષથી કાકરીચાળો નથી કરી શક્યા. રાહુલ બાબા અને અહીંયાની જનતાને કહું છું કે, ટિકિટ બુક કરાવી લો 1 જાન્યુઆરી 2024ના અયોધ્યા મંદિર તૈયાર હશે.
ભાજપનો ‘સંકલ્પપત્ર’ જાહેર, કોંગ્રેસે કહ્યું ધોખાપત્ર
ભાજપે ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો છે. જે પી નડ્ડાએ ભાજપનું સંકલ્પ પત્ર જાહેર કર્યુ હતું. શનિવારે કમલમ ખાતે સંકલ્પ પત્ર જાહેર કરાયો એ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપે સંકલ્પ પત્ર-લોકભાષામાં કહીએ તો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપના 80 પેજના સંકલ્પ પત્ર અંગે કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે આ ભાજપના સંકલ્પ પત્રમાં મોંઘવારીનો મ જ ગાયબ છે. આ સંકલ્પપત્ર નહીં પરંતુ ધોખાપત્ર છે.
દિલ્હીથી આવેલો AAPનો નમૂનો આતંકીઓનો હિતેચ્છુ: યોગી
સોમનાથ સાંનિધ્યે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આજે સભા યોજાઈ હતી, જેમાં તેમણે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસને આડેહાથ લીધી હતી. આકરા પ્રહારો કરતાં યોગીએ જણાવ્યું હતું કે, દિલ્હીથી આવેલો આમ આદમી પાર્ટીનો નમૂનો આતંકીઓનો હિતેચ્છુ છે, શું તેને મત આપીને કલંકીત કરાય? તેમજ કોંગ્રેસને લઈ કહ્યું હતું કે કોંગ્રેસે મુસ્લિમોના મતો માટે ક્યારેય હિન્દુઓને સન્માન આપ્યું નથી અને હંમેશાં હિન્દુઓની આસ્થા સાથે ખીલવાડ કરવાનું કામ કર્યું છે.
કોંગી ઉમેદવાર વિરુદ્ધ પ્રેસનોટ બનાવી વાઇરલ કર્યાનો આક્ષેપ
પાટણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ વિરુદ્ધ પાટણ મત વિભાગ તેમજ આજુબાજુના ઠાકોર સમાજમાં ખોટો દુષ્પ્રચાર અને બદનક્ષી થાય તેવી પ્રેસનોટ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થઈ હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવારે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી આ પ્રેસ કટીંગ આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે સોશિયલ મીડિયામાં વાયરલ કરેલું હોવાથી તેમની સામે તાત્કાલિક સાયબર ક્રાઇમ વિભાગ મારફતે તપાસ કરાવી ગુનો દાખલ કરવા માટે માગણી કરી છે. નોંધનીય છે કે લાલેશ ઠક્કરના મોબાઈલથી પાટણ એન.જી.ઓ સંસ્થાઓ ગ્રુપમાં આવ્યું હોવાનું તેઓએ આક્ષેપ કર્યો છે.તેથી, સાયબર ક્રાઇમ મારફતે તપાસ કરાવી યોગ્ય ગુનો દાખલ કરવા લેખિત રજૂઆત કરી છે.
પરસોત્તમ સોલંકીના વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર
ભાવનગરમાં ભાજપના પરશોત્તમ સોલંકીએ કોંગ્રેસના શક્તિસિંહ ગોહીલનું નામ લઈને કહ્યું કે, આ લોકોએ અમને હેરાન કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું, હું મુંબઈથી ભાવનગર આવ્યો એટલે આ લોકોને ભાગી જવું પડ્યું હતું. મારા આવવાથી શક્તિસિંહને કચ્છ જતા રહેવું પડ્યું હતું. 27 વર્ષની રાજકીય કારકિર્દીમાં પહેલી વખત શક્તિસિંહનું નામ જાહેરમાં લીધું છે અને મારે જે કરવું હોય તે કરીને જ બતાવું છું.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.