Narmada:નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કમ પોલીક્લિનીક રાજપીપલા ,(જૂની સિવિલ) ખાતે આંખના મોતિયો તપાસ કેમ્પ યોજાય

Views: 171
0 0
Spread the love

Read Time:5 Minute, 2 Second

Narmada:રાજપીપલા, રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ તેમજ ૧૦૦ દિવસના લક્ષ્યાંક અન્વયે આજરોજ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આંખના મોતિયો તપાસ કેમ્પ યોજાયો હતો. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કમ પોલીક્લિનીક રાજપીપલા(જૂની સિવિલ) ખાતે યોજાયેલા કેમ્પમાં અંદાજિત ૧૪૦ કરતાં વધુ દર્દીઓએ લાભ લઈ આંખોની તપાસ કરાવી હતી.

જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુની રાહબરીમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરકારશ્રીની આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચી રહે તેવા હેતુ સાથે વિવિધ કેમ્પ-કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત આજરોજ તા.૧૩મી માર્ચે જૂની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યોજાયેલા કેમ્પમાં જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે નોંધાયેલા આંખના દર્દીઓએ લાભ લીધો હતો. તમામ તાલુકાના દર્દીઓને રાજપીપલા સુધી લાવવા-લઈ જવા માટેની સુવિધા પણ વિનામૂલ્યે પુરી પાડવામાં આવી હતી. કેમ્પ દરમિયાન નિષ્ણાંત તબીબોએ સેવા પૂરી પાડી હતી. 

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જનકકુમાર માઢકે કેમ્પ સંદર્ભે જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા અંધત્વ નિવારણ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા આ કેમ્પમાં આંખોમાં મોતિયા બિંદ ધરાવતા વડીલોની આંખોનું સ્ક્રિનિંગ, જેમની આંખોમાં મોતિયો બિંદ જણાય તેમના પ્રિ-ઓપરેટિવ ફિટનેશની તપાસ સાથે ડાયાબિટીશ, સુગર, બ્લડ પ્રેસરની માપણી કરાઈ હતી. ખાસ કરીને બંને આંખોમાં મોતિયો બિંદ ધરાવતા વડીલ દર્દીઓના તા.31મી માર્ચ સુધીમાં મોતિયોના ઓપરેશન કરવામાં આવશે. 

વધુમાં આરોગ્ય અધિકારીશ્રીએ ઉમેર્યું કે, નર્મદા જિલ્લાને અંધાપા મુક્ત જાહેર કરવાની દિશામાં શરૂ કરાયેલું આ અભિયાન સતત ચાલતું રહેશે. જેમને આંખમાં મોતિયો છે, આંખમાં ઓછું દેખાય છે અને આ કેમ્પનો લાભ નથી લઈ શક્યા તેઓ પણ જૂની સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત  પોલીક્લિનીક ખાતે સંપર્ક કરી આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ પણ કરી હતી.

આંખ તપાસ કેમ્પનો લાભ લેવા માટે આવેલા નાંદોદ તાલુકાના સીસોદરા ગામના વતની દિપકભાઈ મણીલાલ પટેલે પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું કે, મને આંખોમાં તકલીફ થતી હતી, જેથી અમારા ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવા માટે ગયો હતો. જ્યાંથી તબીબોએ આ કેમ્પ વિશે માહિતી આપી હતી. મારે તેમજ અમારા ગામના અન્ય દર્દીઓને રાજપીપલા કેમ્પમાં આવવા- જવાની સુવિધા પણ આરોગ્ય કેન્દ્ર દ્વારા જ કરવામાં આવી છે. કેમ્પમાં આવીને તબીબોએ મારી આંખોની તપાસ કરીને દવા આપી છે. સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રની આ વ્યવસ્થાથી હું ખૂબ ખૂશ છું. અન્ય લોકોએ પણ આવા કેમ્પનો લાભ લેવો જોઈએ તેવી હું સૌને અપીલ કરું છું. 

આંખના મોતિયો તપાસ કેમ્પની સાથોસાથ પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડની કામગીરી પણ કરવામાં આવી હતી. જેમાં લાભાર્થીઓને વિનામૂલ્યે PMJAY કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જિલ્લાભરમાંથી આવેલા તમામ દર્દીઓને સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વાહનમાં રાજપીપલા સુધી લાવી પરત ગામમાં લઈ જવાયા હતા. જે દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત જણાઈ છે તેમને તા.૩૧મી માર્ચ સુધીની તારીખ આપી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વાહનમાં જ ઓપરેશન અર્થે પણ લાવવા-લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવશે તેમ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed