અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્રમાં પહેલા નોરતે વરસાદી ઝાપટાં પડતાં ગરબા-આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા છે. આજે પહેલા નોરતે ગરબા થશે કે નહીં એ અંગે સવાલો ઊભા થયા છે.
વડોદરામાં બપોરે વરસાદી ઝાપટાં
કોરાનાકાળનાં બે વર્ષ બાદ કલાનગરી વડોદરામાં મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વડોદરામાં આજે બપોરે 12:30 વાગ્યે પશ્ચિમ વિસ્તારમાં સમા, સુભાનપુરા, ઓ.પી. રોડ, અલકાપુરી, રેસકોર્સ, ઇલોરા પાર્ક, સુભાનપુરા, મનીષા ચોકડી, અક્ષરચોકમાં વરસાદ પડ્યો હતો, જ્યારે દક્ષિણ વિસ્તારમાં જાંબુવા, મકરપુરા, માંજલપુર, તરસાલીમાં વરસાદ પડ્યો હતો. વડોદરા શહેરના પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં બપોરે 1:30 વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો, જેમાં કારેલીબાગ, વારસિયા, ખોડિયાનગર, આજવા રોડ, વેમાલી, માંડવી, વાઘોડિયા રોડ વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો અને આકાશમાં વાદળો ગોરંભાયેલાં છે.
અમદાવાદમાં પણ વરસાદી માહોલ
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બપોરે વરસાદ શરૂ થયો હતો. વટવા, મણિનગર, કાંકરિયા સીટીએમ, નિકોલ, નરોડા, ઓઢવ, વસ્ત્રાલ, ઘોડાસર, ઇસનપુર સહિતના વિસ્તારોમાં 10 મિનિટ સુધી વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. વરસાદી ઝાપટાં પડવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે આજથી નવરાત્રિનો માહોલ શરૂ થયો છે, ત્યારે પાર્ટી પ્લોટોમાં વરસાદને કારણે આજે સાંજે ગરબા રમાશે કે કેમ એમાં ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા છે. વરસાદ બંધ થતાંની સાથે જ પાર્ટી પ્લોટના આયોજકો દ્વારા કોઈપણ રીતે આજે ગરબા યોજાય એ રીતે વ્યવસ્થા કરવામાં આવશે. જોકે સાંજે ફરી એકવાર ધોધમાર વરસાદ શહેરમાં પડશે તો આજે રાત્રે ગરબાનું આયોજન થઈ શકશે કે કેમ એવી ખેલૈયાઓમાં ચિંતા ઊભી થઈ છે.
વરસાદને કારણે ગરબા-આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા છે.
અનેક સ્થળોએ પાણી ભરાયાં
આજથી નવરાત્રિ શરૂ થઈ છે, જેની વચ્ચે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બપોરે વરસાદ શરૂ થયો છે. વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. 20 મિનિટમાં ધોધમાર વરસાદ પડવાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જશે, તો પાર્ટી પ્લોટમાં ગરબા રમાશે કે કેમ એની ખેલૈયાઓમાં અત્યારથી ચિંતા બેસી ગઈ છે, જોકે બપોરે શહેરમાં વાદળો છવાયેલાં છે. હવામાન વિભાગ દ્વારા પણ નવરાત્રિના પહેલા બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લામાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે.
અમરેલીમાં પણ વરસાદ
અમરેલી જિલ્લાના વાતાવરણમાં આજે પલટો જોવા મળ્યો હતો. ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. આસો મહિનાના પ્રારંભમાં જ અષાઢી માહોલ જોવા મળતા ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી છે.
આસો મહિનામાં અષાઢી માહોલ જામ્યો
છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન નવરાત્રિ દરમિયાન પણ વરસાદ જોવા મળે છે. આજે પણ પ્રથમ નોરતામાં અમરેલીના ખાંભા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. ખાંભાના પીપળવા, ખડાધાર, નાનુડી, ધુંધવાળા સહિત ગીર જંગલ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.
વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતા
કોરોનાકાળ બાદ ગત વર્ષે શેરી ગરબા યોજવા માટે સરકારે છૂટ આપી હતી. જોકે ગત વર્ષે મોટા ગરબાનાં આયોજન થયાં નહોતાં. કોરોના બાદ આ વર્ષે પહેલીવાર મોટા ગરબાનાં આયોજન કરવામાં આવ્યાં છે અને એમાં પણ વરસાદી વિઘ્ન આવતાં હવે ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતા જોવા મળી રહી છે.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.