જામનગરમાં રખડતા ઢોર પકડવાની કામગીરીમાં ગાય લોહી લુહાણ થતાં અફડાતફડી મચી ગઇ હતી. બનાવની જાણ થતાં સોનલનગર વેક્સિનેશન કેન્દ્ર પર માલધારીઓનું ટોળું ધસી જતાં વાતાવરણ તંગ બન્યું હતું. લમ્પી રસીકરણ કેન્દ્રમાં ગાયના મોતનો આક્ષેપ ટોળાંએ કર્યો હતો. ઇજાગ્રસ્ત ગાયની સારવાર બાદ મામલો થાળે પડયો હતો. રાત્રીના ઢોર પકડવાની કામગીરી દરમ્યાન આ બનાવ બન્યો હતો. જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ જીવલેણ બનતા મનપાએ 4 ટીમ બનાવી પોલીસને સાથે રાખી દિવસ અને રાત્રીના ત્રણ શીફટમાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઇજાગ્રસ્ત ગાયની સારવાર બાદ મામલો થાળે પડયો
જે અંતર્ગત મંગળવારે રાત્રીના ઢોર પકડવાની કામગીરી દરમ્યાન પવનચકકી વિસ્તારમાં ગાયને ઇજા થતાં લોહીલુહાણ થઇ ગઇ હતી. બનાવની જાણ થતાં માલધારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. ઇજાગ્રસ્ત ગાયને શહેરના સોનલનગરમાં આવેલા મનપાના લમ્પી વેક્સિનેશન કેન્દ્ર પર સારવાર માટે ખસેડાઇ હતી. જેની જાણ થતાં માલધારીઓનું ટોળું વેક્સિનેશન કેન્દ્ર પર ધસી ગયું હતું. જયાં ગાયની યોગ્ય સારવાર કરવા માંગણી કરી હતી. તદઉપરાંત કેન્દ્રમાં ગાયના મોત થતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જો કે, ગાયને વધુ સારવાર માટે ગૌશાળામાં મોકલાતા મામલો થાળે પડયો હતો.
પશુપાલકે રોકડું પરખાવ્યું, ગાય તો છૂટ્ટી જ ફરશે : 2 સામે ફોજદારી
ગુજરાત હાઈકોર્ટની કડક સૂચના પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી તીવ્ર બનાવવામાં આવી છે. રસ્તા ઉપર ઢોરને છુટા મૂકનાર ઢોર માલિકો સામે ફોજદારી ફરિયાદ નોંધાવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. સોમવારે સાંજે જૂની જયશ્રી ટોકિઝ પાસે એક ગાય રખડતી હાલતમાં જોવા મળતા મનપાના સિક્યુરિટી ઈન્ચાર્જ આર.બી.જાડેજાએ તે ગાયના માલિક અંગે તપાસ કરાવતા ત્યાં આવેલા તેના માલિક હેમત વાઘેલાએ પોતાની પાસે ગાય બાંધવા માટે વ્યવસ્થા નથી તેથી ગાય છૂટી જ ફરશે તેમ જણાવતા હેમત સામે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. તદઉપરાંત તળાવની પાળે પાબારી હોલ પાસેથી એક ગાય રખડતી જોવા મળતા તેના ટેગ પરથી તેના માલિક સામે પણ પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
ગાય ભડકતા ટ્રેકટરની ટ્રોલીમાં શીંગડું ભરાયું એટલે ઇજા થઇ હતી
શહેરમાં મંગળવારે રાત્રીના પવનચકકી વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી દરમ્યાન ગાયને ગળામાં દોરડાનો ગાળિયો નાખવામાં આવ્યો હતો. પરંતુ ગાળિયો નાંખ્યા બાદ ગાય ભડકીને દોડતા તેનું શીંગડું ટ્રેકટરની ટ્રોલીમાં ભરાઇ ગયું હતું. ગાયે કાઢવાનો પ્રયાસ કરતા શીંગડા ઉપરનું કુદરતી કાચલું નીકળી જતાં લોહીલુહાણ થઇ ગઇ હતી. આથી સારવાર માટે સોનલનગર વેક્સિનેશન કેન્દ્રમાં ખસેડાઇ હતી. જયાં માલધારીઓનું ટોળું ધસી આવ્યું હતું અને ગાયની યોગ્ય સારવારની માંગ કરી હતી. આથી ગાયને વધુ સારવાર માટે વછરાજ ગૌશાળામાં ખસેડવામાં આવી હતી. એક ગાય બિમાર હોવાથી મૃત્યુ નિપજયું હતું. – રાજભા જાડેજા, ઇન્ચાર્જ કેટલપોન્ડ સુપરવાઇઝર, જામ્યુકો ઢોર ડબ્બા.
Average Rating
More Stories
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 124/એ.એફ.પરર.79 ખાતે નવા તૈયાર કરવામાં આવેલ પ્લે ગ્રાઉન્ડ નું લોકાર્પણ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર ઝોનના ઠક્કરબાપાનગર વૉર્ડ માં ટી.પી 65/એફ.પી.145 ખાતે નવા તૈયાર કરવામાં “સિનિયર સિટીઝન પાર્ક” નું લોકાર્પણ આજરોજ કરવામાં આવ્યું.
Ahmedabad:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનના રાણીપ વોર્ડમાં આવેલ વિવિધ ચોક, સર્કલ, સિનિયર સિટીજન પાર્ક અને કોમ્યુનિટી હોલના નામાભિધાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ.