Gujarat:રાજ્યમાં ગુલાબી ઠંડી વચ્ચે વરસાદી ઝાપટાં:વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો, ભાવનગર, આણંદ, દાહોદ, અરવલ્લી સહિતના પથંકમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં મુકાયા

Views: 197
0 0
Spread the love

Read Time:5 Minute, 54 Second

Gujarat:રાજ્યમાં એક બાજુ ગુલાબી ઠંડીમાં લોકો ઠૂંઠવાયા છે ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેને પગલે ભાવનગર, આણંદ, ખેડા, દાહોદ, અરવલ્લી અને પંચમહાલ સહિતના પથંકમાં આજે વહેલી સવારે માવઠું પડ્યું હતું, જેથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો તેમજ ખેડૂતોના ઊભા પાકમાં પણ નુકસાનની ભીતિ જોવા મળી રહી છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુલાબી ઠંડી વચ્ચે માવઠું
ભાવનગરમાં ગઈકાલ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં બે દિવસમાં વરસાદ વરસે એવી શક્યતા વ્યક્ત કરાઈ હતી. ત્યારે આજે શનિવારે વહેલી સવારે જ કમોસમી વરસાદ વરસ્યો હતો, જેથી ગુલાબી ઠંડી વચ્ચે પડેલા વરસાદને પગલે લોકોને સ્વેટરની સાથે સાથે રેઈનકોટ પણ પહેરવાની ફરજ પડી રહી છે.

મહા મહિનામાં ચોમાસા જેવો માહોલ
ભાવનગર સહિતના વિસ્તારોમાં ગઈકાલ સાંજથી જ આકાશ વાદળછાયું રહેતાં મહા મહિનામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ભાવનગર શહેર અને જિલ્લાના પંથકમાં વહેલી સવારે એકાએક વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ પંથકમાં વરસાદને પગલે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, આમ, ભરશિયાળામાં વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. ગુલાબી ઠંડી વચ્ચે વરસાદ વરસતાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો.

ભેજનું પ્રમાણ એકાએક વધ્યું
હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં ગઈકાલે શુકવારે સવારથી જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું, જેના કારણે લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા અને હવામાન વિભાગના જણાવ્યા મુજબ 13 ડીગ્રી તાપમાન અટકતાં ફરી વખત ઠંડીનું જોર વધ્યું હતું. ભેજનું પ્રમાણ એકાએક વધીને 84 ટકાએ પહોંચ્યું હતું તો પવનની ઝડપ 22 કિમી પ્રતિ કલાક રહી હતી, ટાઢાબોળ પવનોને કારણે ભાવનગરમાં ઠંડીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.

વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ
ભાવનગર ઉપરાંત પંચમહાલના ગોધરા સહિતના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભરશિયાળે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસતાં મકાઈ, કપાસ સહિતના પાકોમાં નુકસાનની ભીતિ જોવા મળી રહી છે, જેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ ઊભો થયો છે.

આણંદ તેમજ ખેડા જિલ્લામાં વરસાદ
આણંદ જિલ્લામાં પણ વહેલી સવારે વરસાદ ખાબક્યો હતો. તેમજ ખેડા જિલ્લાના નડિયાદ, મહુધા, પીજ, વસો, કણજરી, ચકલાસી, ઠાસરા વગેરે પંથકમાં માવાઠું થયું છે. તમાકું, ડાંગર, શાકભાજી સહિતના ખેતી પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. એકાએક વરસાદ પડતા ડાકોરમાં આવતા ભક્તો થોડા સમય માટે અટવાયા હતા.

દાહોદ જિલ્લાના ચાર તાલુકામાં વરસાદ
દાહોદ જિલ્લામાં ગતરાતથી જ ઠંડી વધી ગઇ હતી અને સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે ચોમાસા જેવો માહોલ સર્જાયાો હતો. ગમે ત્યારે વરસાદ વરસે તેમ લાગતું હતું. ત્યારે જિલ્લાના સીંગવડ તાલુકામાં સૌ પ્રથમ વરસાદ શરુ થયો હતો. ત્યારબાદ સંજેલી પંથકમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો. જે બાદ ઝાલોદ અને ફતેપુરા તાલુકામાં પણ કમોસમી માવઠું થતાં લોકો ઠુંઠવાઇ રહ્યા છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ મહા મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે.

અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી છાંટા
અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જિલ્લાના મેઘરજ અને મોડાસા પંથકમાં સવારથી વરસાદ શરૂ થયો હતો. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ. ત્યારે જિલ્લાના મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વરસાદી અમી છાંટણા આવ્યાં હતા. મેઘરજના પંચાલ, કદવાડી વિસ્તારોમાં પણ વકરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદના કારણે ખેતીવાડીને નુકસાન થવાની સંભાવના છે. ખાસ કરીને જિલ્લામાં ઘઉં, ચણા, કપાસ અને સોયાબીનના પાકને નુકસાન થવાની સંભાવના છે.

મહિસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ
મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, ખાનપુર, કડાણા, વીરપુર, બાલાસિનોર તાલુકામાં વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા હતા. ત્યારબાદ જિલ્લાના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. લુણાવાડા તાલુકામાં વરધરી વિભાગના ધામોદ, સાધકપુર, લાલસર, કીડીયા સહિતના આસપાસના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી ગાજવીજ સાથે એકાએક વરસાદી ઝાપટા પડ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed