Gujarat Elections:જમાલપુર, શાહપુર, સરસપુર, ખોખરા, ઓઢવમાં EVM ખોટકાતાં એકથી દોઢ કલાક વોટિંગ બંધ રહ્યું

Views: 218
1 0
Spread the love

Read Time:5 Minute, 5 Second

Gujarat Elections:વિધાનસભાની શહેરની 16 બેઠકો પર ગત ચૂંટણી કરતાં ઓછું મતદાન નોંધાયું છે. આ વખતે ચૂંટણીમાં ઉત્સાહ ઓછો હોવાનું આ આંકડા પરથી જ જાણી શકાય છે. મતદાનના દિવસે કલેક્ટર દ્વારા શરૂ કરવામાં આવેલા કંટ્રોલરૂમમાં ધીમું મતદાન, ઈવીએમ બંધ, નિયમ વિરુદ્ધ પાર્ટીના બેનરો અંગેની 500થી વધુ ફરિયાદો મળી હતી.

આ સાથે શહેરના કેટલાક વિસ્તારોમાં બોગસ વોટિંગની પણ ફરિયાદો ઊઠી હતી. જમાલપુર, શાહપુર, સરસપુર, ખોખરા, ઓઢવમાં EVM ખોટકાતાં એકથી દોઢ કલાક વોટિંગ બંધ રહ્યું હતું. પાર્ટીના કાર્યકર્તાઓએ વોટિંગ વધારવા માટે છેલ્લી ઘડીએ દોડાદોડી કરી હતી. કેટલીક જગ્યાએ પાર્ટીઓના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.

મતદાનમથકની જાણકારી, ધીમું મતદાન, ચૂંટણી કાર્ડ, રાજકીય બેનરો અને સાઇન બોર્ડની 500થી વધુ ફરિયાદો કન્ટ્રોલ રૂમમાં આવી હતી. સૌથી વધુ ફરિયાદો મતદાન મથકોની જાણકારી અને ધીમા મતદાન અંગેની હતી. ફરિયાદ કરવા ગયેલા રાજકીય આગેવાનોએ કહ્યું કે, ફરિયાદો ઘણી થાય છે, પણ ન્યાય મળતો નથી. ચૂંટણીમાં આચારસંહિતાના ભંગના નિયમો કાગળ પર જ છે.

જિલ્લા ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતાના ભંગ માટે જાહેર કરાયેલા ટેલિફોનિક નંબર પર મતદાનમથક મળતું નથી, ધીમું મતદાન ચાલે છે, ઈવીએમ બંધ હોવા સહિતની 380 ફરિયાદ મળી હતી. જ્યારે સિવિજિલ એપ પર 114 ફરિયાદ થઈ હતી. જોકે તમામ ફરિયાદોનો નિકાલ થઈ ગયો હોવાનો અધિકારીઓએ દાવો કર્યો હતો. જિલ્લા અધિક કલેક્ટર સુધીર પટેલે કહ્યું કે, ઇવીએમ સહિત કોઈ પણ ફરિયાદ હોય તો સબંધિત આરોને જાણ પણ કરાઈ હતી.

305 મતદાન મથક પરના સીસીટીવી કેમેરા ખોટકાયા
5610માંથી 2827 બૂથ પર સીસીટીવી કેમેરા હતા, જેના પરથી અધિકારીઓ લાઇવ મતદાન જોઈ શકતા હતા, પરંતુ ફરિયાદોનો સમયસર નિકાલ થઈ શક્યો ન હતો. એટલું જ નહિ, ઇવીએમની ફરિયાદોથી અજાણ હોવાનો ચૂંટણી અધિકારી સી. પી. પટેલે દાવો કર્યો હતો. 305 મતદાનમથક પર સીસીટીવી કેમેરા ખોટકાયા હતા.

કાર્યકરો ભાગી જતા દર્શનાબેન વાઘેલાએ બૂથ મેનેજમેન્ટ કર્યું​​​​​​​
અસારવા બેઠક પરના ભાજપનાં ઉમેદવાર દર્શના વાઘેલા રાઉન્ડ પર નીકળ્યાં ત્યારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનથી 200 મીટરના અંતરે ભાજપનું ટેબલ મૂકેલું હતું, પણ કાર્યકર્તાઓ ન હતા. કાર્યકરો આવ્યા ત્યારે દર્શનાબેને તેમને ધમકાવ્યા હતા અને પોતે ટેબલ સંભાળી લીધું હતું.

બૂથમાં ફોન પ્રતિબંધ છતાં યુવકે વોટ આપતો ફોટો પાડી ફરતો કર્યો
મતદાનમથકે ફોન પર પ્રતિબંંધ છતાં તેનો કડક અમલ કરાયો ન હતો. નિકોલના બૂથમાં એક યુવકે વોટ આપતો ફોટો પાડી સોશિયલ મીડિયામાં ફરતો કરતા વિવાદ થયો હતો. અગાઉ સુરતમાં પણ આવી ઘટના બની હતી.

ચાંદખેડામાં કોંગ્રેસનાં ટેબલ-ખુરશીઓ ઊંધાં કરી દેવાયાં
ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર હિમાંશુ પટેલના કાર્યકરો ચાંદખેડા-મોટેરા રોડ પરના પોલિંગ બૂથ નજીક ટેબલ-ખુરશી લઈ બેઠા હતા. જોકે બપોરના સમયે કારમાં આવેલા કેટલાક લોકોએ હિમાંશુ પટેલના બેનરવાળાં ટેબલ ઊંધા કરી દીધાં હોવા અંગેનો કન્ટ્રોલ મેસેજ કરાયો હતો, જેથી ચાંદખેડા પોલીસ આવી પહોંચી હતી. જોકે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી.

બોગસ વોટિંગ મામલે કોંગ્રેસ-AIMIM વચ્ચે ચકમક ઝરી
આસ્ટોડિયાના સૈયદવાડાની ઉર્દૂ સ્કૂલમાં બપોરે 4 વાગ્યે કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલાએ એઆઈએમઆઈએમ દ્વારા બોગસ વોટિંગ થઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ જમાલપુર મ્યુનિ. શાળા નંબર-11 અને ઉર્દૂ શાળા નંબર-8 પાસે પણ બંને પાર્ટીના ઉમેદવારો વચ્ચે ચકમક ઝરી હતી. એઆઈએમઆઈએમના ઉમેદવાર સાબીર કાબલીવાલા આસ્ટોડિયા સૈયદવાડના બૂથ પર દોડી આવતાં પોલીસનો કાફલો પણ પહોંચી ગયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

You may have missed